we



માત્ર અમાન્ય અરજીને આધારે એક મહિલાના ચારિત્રને ઉછાળવાનો હક્ક આપણને કોણે આપ્યો..?

     શાસકપક્ષના ભરૂચ જિલ્‍લાના એક મહિલા પદાધિકારી વિરૂદ્ધ વડોદરા જિલ્‍લાના શાસકપક્ષના જ એક પુરૂષ પદાધિકારીએ સોશ્‍યલ મીડિયા પર અરજી ફરતી કરી. આ અરજી રાજયના મુખ્‍યમંત્રી, વરિષ્ઠ મંત્રીઓ અને પોલીસ અધિકારીઓ સહિત શાસકપક્ષના પ્રદેશ અઘ્‍યક્ષને નકલ રવાના કરાઈ હોવાની માહિતી પણ આપવામાં આવી. પણ, આ ફરતી થયેલ અરજી કોઈપણ ઠેકાણે અપાયાં પછી રીસીવ કરાયાની સહિ-સિક્કાનો કોઈ ઉલ્‍લેખ નહોતો..! છતાંય કેટલાંક માઘ્‍યમોએ આ વાતને બહુ જોરથી ઉછાળી. ચાલો ઉછાળી તો ઉછાળી, પણ સભ્‍ય સમાજ માટે અસભ્‍ય કહી શકાય તેવી તસ્‍વીર પણ છાપી..! ત્‍યારે સવાલ ઉઠે છે કે અનેક કિસ્‍સાઓમાં સમાચાર અંગે બાંધછોડ કરનાર આપણે સૌ આ મુદ્‌ે બાંધછોડ કરવાનું તો બાજુએ રાખી એકદમ કડક કેમ થઈ ગયું..? શું આ અહેવાલ કાયદા સંગત છે..? શું આપણે પોતાની મર્યાદા જાળવી છે..? શું આ સામાજિક મર્યાદા અને શિષ્‍ટાચારનું ઉલંઘન નથી..?



ચાલ, ચરિત્ર અને ચહેરાની વાત કરનાર રાજકીય પક્ષોના અનેક નેતાઓનાં સેકસ સ્‍કેન્‍ડલ પ્રકાશમાં આવ્‍યાં છે. આવે છે. અને આવતાં રહેશે. કારણ સત્તાની સાથે પૈસો આવે છે અને પૈસા પાછળ આવી અનેક બદીઓ જીવનમાં પ્રવેશે છે. આવું માત્ર રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો સાથે જ નથી ઘટતું. અન્‍ય ક્ષેત્રમાં પણ બને છે. પણ, રાજકારણ, સિનેમા જગત કે જાહેરજીવન સાથે સંકળાયેલ કોઈ મહિલા કે મહાશય સાથે આવો કોઈ બનાવ બને કે બધાંના એન્‍ટિના એ દિશામાં કાર્યરત થઈ જાય છે..! કેમ..? ગોળ હોય ત્‍યાં જ માંખીયો બણબણેને...



હું માનું છું કે મીડિયાનું કામ આવાં કારસ્‍તાન ઉઘાડા પાડવાનું છે. અને તેણે આવા સ્‍કેન્‍ડલો બહાર પાડવાં જ જોઈએ. પણ આ કામ કરતી વખતે મર્યાદાની સીમા ઓળંગવાની છૂટ કોઈને પણ મળતી નથી. અને મળવી પણ ન જોઈએ. હું તો એમ માનું છું કે મીડિયા તો આમાં જરૂરીયાત કરતાંય વધુ મર્યાદા જાળવવી જોઈએ. કારણ તમારાં એક સમાચાર કે તસ્‍વીર કોઈનું જીવતર રોળી શકે છે. કદાચ એટલે જ કોર્ટે પણ પકડાયેલ આરોપી ગુનેગાર પુરવાર ન થાય ત્‍યાં સુધી તેનો ફોટો છાપવાની મનાઈ ફરમાવી છે. મહિલા પીડિતાના કેસમાં તેનું સાચું નામ જાહેર ન કરવાની પણ ભલામણ કરી છે. આવા કેસમાં કોર્ટ કાર્યવાહી પણ બંધ ઓરડામાં કે ન્‍યાયાધિશની ચેમ્‍બરમાં કરવામાં આવે છે. ત્‍યારે સવાલ એ ઉઠે છે કે કોર્ટે જે મુદ્‌ે સાફ નસિહત કે ભલામણ કરી છે તેનું ઉલંઘન શા માટે..?



ખૈર..! દરેક પોતાની સમજ, સમજાવટ કે નીતિ-રીતિ અનુસાર કામ કરતાં હોય છે. આ બનાવમાં પણ જેને જેવું લાગ્‍યું, જેને જેવું ભાવ્‍યું કે જેને જેવું ફાવ્‍યું તે અનુસાર અહેવાલ પ્રકાશિત કરાયા છે. જેમાં કોઈ દોષિત છે કે નથી..? તે ન્‍યાય તોળવાની અમારી ફરજ પણ નથી અને લાયકાત પણ નહીં. પણ જયારે કંઈક ખોટું થાય ત્‍યારે મન કલ્‍પાંત કરી મૂકે છે. કે આવું પણ મીડિયાકર્મ હોઈ શકે..! અને એટલે તંત્રીલેખમાં અમારા મનની વાત કરી છે. કરવાનો પ્રયત્‍ન કર્યો છે. હવે તો એટલું જ કે જે શબ્‍દ છપાઈ ચૂકયા છે. તે શબ્‍દો તીર સમાન છે, જે પાછા આવવાના નથી. પાછા વાળી શકાશે પણ નહીં. પણ ભવિષ્‍યમાં ફરીવાર આવો કોઈ બનાવ બને કે આ જ બનાવનો અન્‍ય કોઈ અહેવાલ તૈયાર કરવાની ફરજ પડે ત્‍યારે આપણે આટલું તો કરી જ શકીએ કે કોઈપણ મહિલાની તસ્‍વીર ન છાપીએ કે છપાવીએ. બસ, આટલું કરી શકીશું તોય આપણે સમાજ માટે આદર્શ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડી શકીશું. આદર્શ ઉદાહરણ સ્‍થાપી શકીશું.

નોંધઃ આ લેખ ડૉ. તરુણ બેન્કરના મૌલિક વિચારોની અભિવ્યક્તિ છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ લેવી આવશ્યક છે.

No comments