we



ગુજરાતી ફિલ્મના નામે ૩.૯૧ કરોડની છેતરપિંડી; ફિલ્મ સાથે ‘નહાવા-નિચોવવાનો સંબંધ ન હોય તેવાં લોકો વધુ છેતરાયા છે..!

અમદાવાદના ઓર્થોપેડિક ડૉક્ટર ધવલ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર આજથી દોઢેક વર્ષ પહેલા તેમની મુલાકાત જૈમિન પટેલ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીએ કરાવી હતી, ત્યારબાદ વચ્ચે સારી મિત્રતા થઈ હતી. જૈમિન અને તેની પત્ની અંકિતા પટેલ પણ અવારનવાર મને મળી મોટી-મોટી વાતો કરીને લોભામણી સ્કીમો બતાવતા હતા. ઓક્ટોબર-૨૦૨૨માં જૈમિન તથા અંકિતાએ મને તેઓની ઓફીસ ખાતે મળવા માટે તેમજ અન્ય વાતચીત કરવા માટે બોલાવતા હું તેઓની ઓફીસે ગયો હતો. અંકિતા તથા જૈમિને મને તેઓ અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવે છે અને આ પ્રોપરાયટર ફર્મમાં ફિલ્મ્સને પ્રોડયુસ કરવા તેમજ પૂરી ફિલ્મ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડેલ છે. જેથી, તમે ઇન્વેસ્ટ કરી પાર્ટનર બનવા માગતા હો તો પાર્ટનર પણ બની શકો છો અને આ ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરશો તો તમને ફિલ્મ્સના રેવન્યુમાં 10%નો ભાગ આપવામાં આવશે. પણ બન્યું એવું કે કમાણીની લાલચ આપીને આ બંટી-બબલીએ અનેક લોકોને આવી લાચ આપી લોકો પાસેથી ૩.૯૧ કરોડ પડાવ્યા અને પાછા આપવાના અવ્યાં ત્યારે સુસાઈડનું નાટક રચી પૈસા લઈને ફરાર થઈ ગયાં. મોટી-મોટી વાતો કરીને લોભામણી સ્કીમો બતાવી રોકાણની સામે એડવાન્સ ચેક અને પ્રોમિસરી નોટ સહી કરી આપી..!
બે મહિનામાં રકમ પરત આપીશું તેવો વાયદો પૂરો ન થતા ધવલ પટેલે ફરિયાદ નોંધાવી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકિતાએ ધવલને તેઓને આપેલ પૈસાની સામે એક પ્રોમિસરી નોટ તેમજ ઓન ક્રિએશનના નામનો ૫૦ લાખનો ચેક આપ્યો હતો અને એક મહિનાનો સમય વીતી ગયા બાદ મે જૈમિન તથા અંકિતાને રૂબરૂ તેમજ ફોન પર સંપર્ક કરી આપેલ રૂપિયા અંગે વાતચીત કરતા તેઓએ હજુ એક મહિનો બાકી છે તો આવનારા મહિનામાં તમને બેફીકર રૂપીયા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ જૈમિન તથા અંકીતાએ અલગ-અલગ રકમ મળી ૨૪ લાખ ૯૦ હજાર ધવલની બેકમાં ટ્રાન્સફર કરી બાકીની રકમ ૫૦.૧૦ લાખ પાછા આપવા ન પડે તે માટે ષડયંત્ર રચીને અંકિતાએ સુસાઇડ કરવાનું નાટક કરેલ. આ સુસાઇડ નોટ પણ મને વ્હોટ્સએપમાં મોકલેલ અને જૈમિને તેની પત્ની અંકિતા ગુમ થઈ ગયેલ છે..! સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે ફિલ્મના નામે છેતરપીંડીના આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ‘રાડો’ અને ‘નાડીદોષ’ના નિર્માતા પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલા સામે પણ ૪%ની લાલચ આપી ૬૫ લાખની છેતરપીંડીની ફરિયાદ થઈ છે. ત્યારે સવાલ એ છે કે લોભિયાના ગામમાં ધૂતારા ભૂખા ન મરે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નજીક એક વોટરપાર્ક ચલાવતા અને કન્સટ્ર્કશન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ કરોડોપતિને પણ ફિલ્મ નિર્માણ પછી કરોડોન નફો (કાગળ પર બતાવી) ત્રણેક કરોડ્ના ખાડામાં ગયાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. મોટાભાગે આ કિસ્સા એવાં લોકો સાથે જ બન્યાં છે જેમનો ફિલ્મઉદ્યોગ સાથે “નહાવા-નિચોવવાનો સંબંધ નથી..!” માત્ર ચમક-દમકની લ્હાયમાં, કરોડોના નફાના વાયદામાં કે ક્યારેક ઐયાશી કરવાના ઇરાદે આવા લોકો પૈસા રોકે છે અને ઉંધા પડે છે. ફિલ્મ નિર્માણ પણ અન્ય વ્યવસાયો જેવો જ વ્યવસાય છે. એટલે તેના માટે જાણકાર, આવડતવાળા અને પ્રસ્થાપિત લોકોની ટીમ સાથે જ કામ કરવું જોઈયે. આ સાથે ફિલ્મ નિર્માણ પછી થનારા ફાયદા કરતાં પણ પહેલાં સંભવિત રિસ્ક અને નુકશાનને પણ સમજવું પડે. નુકશાન જાય તો તેને વેઠવાની તૈયારી રાખવી પડે. બાકી આવા કિસ્સાઓ બન્યાં છે. બની રહ્યાં છે. ભવિષ્યમાં પણ બનશે.

No comments