we



શું સી આર પાટીલ ગુજરાતને દક્ષિણ ગુજરાતમાંથી મુખ્યમંત્રી અપાવી શકશે..?

         ૨૦મી જુલાઇ ૨૦૨૦, ગુજરાત ભાજપા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્ના એકચક્રી શાસનથી મુક્ત થયું અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી આર પાટીલની વરણી કરવામાં આવી હતી. આમ તેમનું આખુ નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, પણ લોકો તેમને સી.આર. નામથી જ ઓળખતા. નવસારીના  સાંસદ તરીકે દેશમાં સૌથી વધુ લીડથી જીતનાર સાંસદોમાં તેમનો ત્રીજો ક્રમ. રઘુનાથજી અને સરુબાઈ પાટીલના પુત્ર તરીકે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ, પીંપરી ખાતે જન્મેલ ચંદ્રકાંત, બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પરિવાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ગુજરાતની શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો. ૧૯૭૫માં તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા. કહેવાય છે કે ૧૯૮૯માં દક્ષિણ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાનો હાથ પકડીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા..! તો એક મત એવો પણ છે કે નરેંદ્ર મોદીના કહેવાથી તેઓ ભાજપામાં પ્રવેશ્યા હતા. આયોજક કોઈપણ હોય પણ એક વાત સત્ય છે કે તેમને ભાજપામાં આવકારતો ખેસ અટલ બિહારી વાજપેઈએ પહેરાવ્યો હતો. ૨૦૦૯માં લોકસભા બેઠકોનું પુનર્ગઠન થયું અને નવસારી બેઠકનું સર્જન થયાં પછી આ બેઠકના પ્રથમ ભાજપી ઉમેદવાર બન્યા અને જીત્યા.

પ્રદેશ ભાજપાના પ્રમુખ બન્યા પછી તેમણે સંગઠનને ખરા અર્થમાં શક્તિશાળી પુરવાર કર્યું. કોવિડ દમ્યાન પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવાની કામગીરી હોય કે પ્રસ્થાન કરાવાયેલ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની વાત હોય કે ૫૦૦૦ જેટલાં રેમડેસિવર ઇંજેકશનની સુવિધાનો વિવાદ હોય પાટિલે સંગઠક હોવા છતાંય સરકારનો એક ભાગ હોય કે સરકાર ચલાવતા હોય તેવી છબી ઉભી કરી હતી. એક સમયે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં કહેવુ પડ્યુ હતુ કે ઇંજેકશનની વાતની મને ખબર નથી..! સી આરને પુછો..!

જનસંઘમાંથી ભાજપા બનતા તેના પહેલાં પ્રદેશ પ્રમુખ કેશુભાઇ પટેલ બન્યા હતા. ત્યારબાદ એ. કે. પટેલ, કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા, ફરીવાર કાશીરામ રાણા, વજુભાઇ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, ફરીવાર વજુભાઇ વાળા, પુરુષોત્તમ રૂપાલા (બે ટર્મ), આર.સી.ફળદુ (બે ટર્મ), વિજય રૂપાણી, જીતુ વાઘાણી પછી ૧૩માં પ્રદેશ પ્રમુખની તરીકે સી.આર. પાટીલની વરણી ૨૦ જુલાઈ ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી. આ કુલ ૧૩ ટર્મનું જ્ઞાતિવાર વિશ્લેષણ કરીએ તો  પાટીદારને ૬ ટર્મ, ક્ષત્રિયને બે ટર્મ, ઓબીસીને ત્રણ ટર્મ,  જૈનને એક ટર્મ પછી પ્રથમવાર બિન ગુજરાતીની પસંદગી કરવામાં આવી હતી.

આ વાત આટલેથી જ અટકી નથી, સી આર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા પછી અને વિજય રૂપાણીના રાજીનામા પછી આખી સરકારને બદલવાની કવાયતમાં સી આર પાટીલની ભૂમિકા અગત્યની રહી છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભલે અમદાવાદના બન્યા, પણ મંત્રીપદમાં ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રની મનમાની કે એકચક્રી ન ચાલી. ગૃહ, નાણાં, ઉદ્યોગ, માર્ગ અને મકાન સહિતના મહત્વના મંત્રાલયો દક્ષિણ ગુજરાતને મળ્યા. કે આપવા પડ્યા..? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ ટર્મ અને ૬૦ વર્ષની ઉંમરનો નિયમ લાવી નવા અને યુવાન નેતાઓને તક આપી-અપાવી. સંગઠનમાં પણ એકના એક ચહેરાઓની બાદબાકી કરી નવાને સ્થાન આપ્યુ-અપાવ્યુ.

for Regular News Updates like / follow

www.facebook.com/sncgujarati

તેમના આ ક્રાંતિકારી બદલાવ પછી સી આર પાટીલ વિધાનસભાની આગામી ચૂંટણીમાં શું કરશે..? આ સવાલ બધાંના મનમાં ચર્ચાઈ રહ્યો છે. રાજકીય પંડીતોની વાત કરીએ તો મોટાભાગના માને છે કે બહુમતી ધારાસભ્યોના પત્તા કપાશે. રૂપાણીની સાથે મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલાં બધાં (લગભગ)ના પત્તા કપાશે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલાં અઢારેક ધારાસભ્યો પણ ટિકિટમાંથી બાકાત રહેશે..! આ ઉપરાંત બાકી બચેલાઓમાંથી પણ અડધાં પડતા મૂકાય તેમ લાગી રહ્યું છે. કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવો જ ક્રાઈટેરીયા વિધાનસભાના ઉમેદવારોમાં લાગુ કરાશે. ત્રણ ટર્મ અને ૬૦ની ઉંમરનો નિયમ લવાય વર્તમાન વિધાનસભાના કેટલાં ધારાસભ્યો વધશે..? તો વળી ૧૯૮૯માં જ્યારે ભાજપા સત્તામાં નહોતું અને હિંદુત્વ ફરકી રહ્યું હતું ત્યારે ભાજપામાં પ્રવેશેલ સી આર પાટીલ મૂળ ભાજપાના અને સત્તામાં આવ્યાં પછી ભાજપામાં આવેલાં નેતાઓને સારી રીતે ઓળખે છે. પરિણામે આગામી ચૂંટણીમાં પાયાના આગેવાનોને વધુ તક અપાય તો નવાઈ નહીં. ને તેમાં પણ હિંદુત્વના આંદોલન સાથે જોડાયેલ.

ખૈર..! ગુજરાત ભાજપાના રાજકારણમાં પ્રભાવક બની ચૂકેલ સી આર પાટીલ, કાશીરામ રાણા પછી પ્રદેશ પ્રમુખ બનેલ એકમાત્ર આગેવાન છે. આ પહેલાં તેઓ જી.આઈ.ડી.સી. અને જી.એ.સી.એલ.ના ચેરમન રહી ચૂક્યા છે. અખબાર અને ટીવી ચેનલના માલીક, ખેડૂત અને સહકારી આગેવાન, દક્ષિણ ગુજરાતના મતે કાશીરામ રાણાના અનુગામી છે. પણ, કાશીરામ રાણા તો જે તે સમયના બિન-સત્તાકિય અભિગમ અને આગેવાનોની અછત વચ્ચે પ્રદેશ પ્રમુખ બન્યા હતા. પણ હાલ તો ભાજપાનો સુરજ આખા દેશ પર તપે છે ત્યારે સી આર પાટીલની નિમણૂક તેમના રાજકીય વજુદને દર્શાવે છે. ત્યારે એકવાત એ પણ છે કે શું સી આર પાટીલ ગુજરાતને દક્ષિણ ગુજરાતમાંથી મુખ્યમંત્રી અપાવી શકશે..?

Dr. Tarun Kalidas Banker

(M) 92282 08619

 

No comments