we



કચકચાવીને મતદાન કરીએ. આપણાને, સામેવાળાને કે કોઈને પણ નહીં. પણ મતદાન કરીએ

અંતે મતદાનનો દિવસ આવી જ ગયો. એટલે આપણા હક્ક અને ફરજને સરકારના કાન સુધી પહોંચાડવાની તકનો સમય. કચકચાવીને મતદાન કરીએ. કારણ, મતની સાથે દાન શબ્દ જોડાયો છે. અને એટલે જ જરાય કસર ન રાખીયે. દાન કરવાનું હોય એટલે વિચારીને કરવાનું હોય. સુપાત્રને કરવાનું હોય. આટલું જ નહીં કુપાત્રને ન થઈ જાય તેની પૂરેપૂરી કાળજી રાખવાની હોય. અને એટલે જ કોઈના પણ ભોળવાયામાં ન આવીયે. કોઈની પણ વાતમાં ન ભોળવાઈએ. ખોટા વાયદા, વચનોને ફગાવીએ. પક્ષ કે જ્ઞાતી જોઈને નહીં પણ તેની લાયકાત જોઈને જ મત આપીયે. કોણ આપણા શહેર, તાલુકા, જિલ્લા કે રાજ્યનું સારુ કરી શકશે તેનું બરાબર આકલન કરી મતદાન કરીએ. આ બધી વાતોમાં એક્વાત યાદ રાખવાની છે. આપણે મતદાન તો કરવાનું જ છે.

મતદાનના દિવસે સરકારી નોકરી કરનારાને, શાળા-કોલેજને અને અન્ય સહકારી, અર્ધ-સહકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો જાહેર રજા હોય જ છે. પણ અન્ય વ્યવસાય કે રોજગારી આપનાર સંસ્થા કે ફેકટરીએ પણ જે તે કર્મચારી, કામદાર કે અધિકારી મતદાન કરી શકે તેના માટે અડધો દિવસની રજા આપવાની જ છે. એટલે કામનું બહાનું તો નહીં જ ચાલે. જેમને આખા દિવસની રજા છે તો તો વહેલામાં વહેલી તકે મતદાન કરે. જેમને અડ્ધો દિવસની રજા મળે છે તેઓ રજાના સમય અનુસાર મતદાન કરે. ગૃહિણીઓ પણ ગૃહકાર્ય વચ્ચે આયોજન કરી અચૂક મતદાન કરે.

જેમણે મતદાન દિનને રજાનો દિવસ માની લીધો હોય. ફરવા જવાનું, ખાય-પીને આરામ કરવાનું કે બીજું કોઈ આયોજન કરી લીધું હોય. કે વ્યાપાર-ધંધામાં રચ્યા-પચ્યા રહી મતદાન ન કરવાનું આયોજન કર્યું હોય, તેમના માટે ખાસ. તક ચૂકશો તો તમારી સાથે આવનારી પેઢી પણ તેનું પરીણામ ભોગવશે.

જે લોકો નોકરી કે અન્ય કોઈ રીતે બીજાં સાથે જોડાઈને કામ કરતાં હોય. જો માલીક કે પગારદાતા મતદાન કરવાની રજા કે સુવિધા ન આપે તો જે તે વિસ્તારના ચૂંટણી અધિકારીનો સંપર્ક કરવો. સોશ્યલ મીડિયાના માધ્યમથી તમારી વ્યથાને વાચા આપશો. તે પણ સવેળા. એટલે જરૂરી કાર્યવાહી કરી-કરાવી તમને મતદાનની તક મળે તેવું આયોજન કરી-કરાવી શકાય.

અને છેલ્લે તમે. એ લોકો જે પાનના ગલ્લે, બસ કે ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે કે ઘરમાં વ્યવસ્થા, રોડ-રસ્તા, સુવિધા, ભ્રષ્ટાચારની પીપૂડી વગાડનારા. જ્યાં ત્યાં કે મોકો મળે એટલે તરત જ્ઞાન ઝાડવા બેસી જનાર મતદાન કરી-કરાવી તમારાં મૂલ્યો, વિચાર કે વેદનાને વાચા આપો. ઘરના ખૂણે, જાહેર સ્થળો કે કામના સ્થળે તમારો બળાપો કે જ્ઞાન ઝાડવાથી કે વાણીવિલાસ કરવાથી કંઈ નહીં વળે. આવા બધાં બણગા ‘વિધવા વિલાપ’ છે. એટલે આવી બધી ફિશિયારીઓ પડતી મૂકો અને સીધાં મતદાન કરવા પહોંચી જાવ. તમારા જેવાને મતદાન કરવા લઈ જાવ. ના અવે તો ખેંચી જાવ. પણ મતદાન કરો અને કરાવો.

માત્ર એક મિનિટની ફિલ્મ

Holyday: Click link to watch movie



અને છેલ્લે એવાં લોકો, જેમને એકેય ઉમેદવારમાં કસ નથી દેખાતો. બધાંમાં જ કોઈને કોઈ ખામી દેખાય છે. બધાં જ નક્કામા ને ક્યારેક નબળાં પણ લાગે છે. સક્ષમ કે સતર્ક લાગતાં નથી. અથવા તેમનો ટ્રેક રેકોર્ડ સારો નથી. ભૂતકાળમાં ઘણાં ખોટા કામો કર્યા છે..! આડી લાઈનનો છે..! ચૂંટાયા પછી તાગડધિન્ના જ કર્યાં છે, વિગેરે વિગેરે... આવાને પાઠ ભણાવવા પણ મતદાન કરો. સામેવાળાને મત આપી તેને સબક શિખવો. તેમ ન કરવું હોય તો ‘નોટા’ને મત આપો. આમ કરી તમે તમામ ઉમેદવારો વિરુદ્ધ મતદાન કરો છો. નન ઓફ ધી એબાવ. જો આ મત અન્ય ઉમેદવારો કરતાં વધુ હશે તો તમામ ઉમેદવારો હારેલાં જાહેર કરાશે. તે ઉમેદવારોને તાત્કાલિક ફરીવાર ઉમેદવાર બનવાની તક નહીં મળે. આમ કરી તમે તમારો અવાજ જે તે રાજકીય પક્ષ સુધી પહોંચાડી શકશો કે તમે પ્રસ્તુત કરેલ એકેય ઉમેદવાર અમારા કામનો નથી..!

ટૂંકમાં મતદાન કરો. તમારાને, સામેવાળાને કે કોઈને પણ નહીં. પણ મતદાન જરૂર કરો.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે. 

No comments