we



ઝેરી શરાબકાંડઃ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું..? ઉચ્ચ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે..?

         ગુજરાતની રાજધાની ગાંઘીનગરની પડોશમાં આવેલ અને રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ અને બોટાદમાં ઝેરી શરાબનો કાળો કહેર કેટલાં લોકોને ભરખી ગયો છે..? દારૂબંધીવાળા ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી શરાબકાંડ..? શરમથી માથું ઝૂકી જાય તેવી ઘટના છે. આ બનાવ પછી પુનઃ પુરવાર થાય છે કે ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. ગાંધીના નામે ગુજરાતને દારૂબંધીની સલાખો પાછળ જકડી રખાય છે, પણ ખરા અર્થમાં દારૂબંધીના નામે મહિને કરોડોનો વહિવટ કરી બેનંબરી થોકડીઓ મોટા લોકોના ગજવામાં જાય છે. બોટાડ અને અમદાવાદમાં બનેલ આ ગોઝારી ઘટના પછી ચાર જિલ્લાની પોલીસ કામે લાગી. SITની રચના કરવામાં આવી.

ટૂંકમાં કહિયે તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી વાત છે. હવે ચાર જિલ્લાની પોલીસ અને SIT રચના કરવા કરતા પહેલેથી જ હપ્તાખોરી બંધ કરી હોત તો આ બનાવ જ ન બન્યો હોત. આ બનાવમાં મોતના આંકડા ૫ થી લઈને ૨૦ સુધીના ચર્ચાઈ રહ્યાં છે, કારણ સત્તાવાર સાચો આંકડો મળ્યો નથી..! તો પચાસેક લોકો સારવાર લઈ રહ્યાં છે. હવે પોલીસ અને પ્રશાસન જબરૂ સક્રિય થયું છે. દસેક લોકોની ધરપકડ પણ કરી છે..! પ્રાથમિક તપાસ પછી તારણ મળ્યું છે કે દારૂમાં ભેળવવામાં આવેલ ઝેરની અસર હોય શકે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જ ખબર પડશે. વધુમાં જાણવા મળ્યું છે કે દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાયો હતો અને આ મિથેનોલ અમદાવાદની ફેક્ટરીમાંથી લવાયું હતું. કેમિકલ સપ્લાય કરનારને પણ પોલીસે ઝડપી લીધો છે..! ને બૂટલેગરોને પણ..! પણ, આંખ આડા કાન કરી રોકડી કરી લેનાર પોલીસકર્મીઓ સામે કઈ કાર્યવાહી..? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નિવડેલ ઉચ્ચ પોલીસ અધિકારી સામે કોણ અને ક્યારે કાર્યવાહી કરાશે..? ગુનેગારો સામે માનવ વધની કલમ લગાવાશે..?

આ બનાવ પછી રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટ કરી જણાવ્યુ છેઃ ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં ગામથી ગાંધીનગર સુધી હપ્તા રાજ ચાલતું હોવાને કારણે ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે, લોકોના મોતની જવાબદારી સ્વીકારી હર્ષ સંઘવી રાજીનામું આપે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો.” તો બીજી તરફ એક ગંભીર વાત સામે આવી છે. જે ગામના સૌથી વધુ લોકો મર્યા છે તે ગામના સરપંચે જે તે વિસ્તારના પોલીસ ઈંસપેકટર અને પોલીસવડાને દારૂનું દૂષણ બંધ કરવા કે અટકાવવા પત્ર પણ લખ્યો હતો..! તો પછી આ લોકોએ કાર્યવાહી કેમ ન કરી..?

આદરણીય નરેંદ્રભાઈ, અમિતભાઈ. આપના ગુજરાત રાજ્યમાં હાલ સી. આર. પાટિલ જેવાં કાબેલ સંગઠક છે, ભૂપેંદ્ર પટેલ જેવાં કર્મઠ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જેવાં યુવાન અને બાહોશ ગૃહમંત્રી છે, ત્યારે આ બનાવ અત્યંત દુઃખદાયક છે. જો આ ત્રણે મહાનુભાવો એકસૂર બની જવાબદારો અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી નહીં કરે કે કરાવે તો સામી ચૂંટણીએ આ મહાનુભાવો પણ પ્રજાનો વિશ્વાસ ગુમાવશે. તો બીજી તરફ રાજ્યમાં પગ-પેસારો કરી રહેલ ‘આ૫’ને બોલવાની તક આપશે. સરકારના માથે માછલાં ધોવા પ્રેરશે..!

No comments