we



પંદર વર્ષના વનવાસ પછી ભરૂચના રાજ-કારણમાં રમેશ મિસ્ત્રીનો પ્રવેશ

અંતે ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભાના ઉમેદવારો જાહેર થયા. (સત્તાવાર જાહેરાત નથી કરાઈ પણ ટેલીફોનિક જાણ કરાઈ) જે અનુસાર જંબુસરથી ડી. કે. સ્વામી (પાટીદાર), વાગરાથી અરૂણસિંહ રણા (ક્ષત્રીય), ભરૂચથી રમેશ મિસ્ત્રી (ઓબીસી), અંક્લેશ્વરથી ઈશ્વર પટેલ (ઓબીસી (કોળી) અને ઝઘડીયાથી રિતેશ વસાવા (આદિવાસી અનામત)ના નામો જાહેર કરાયા. આમ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ મિસ્ત્રીનો પંદર વર્ષના વનવાસ પછી ભરૂચના રાજ-કારણમાં પ્રવેશ થયો. તો બીજી તરફ તત્કાલિન ધારાસભ્ય દુશ્યંત પટેલ માટે ‘તેરા તુજકો અર્પણ’ જેવા સંજોગો રચાયા છે. આમ ત્રણ વર્તમાન ધારાસભ્યો પૈકી એક અને હારેલાં બન્ને ઉમેદવારો બદલી પરિવર્તનનો પવન ફૂંકવામાં આવ્યો. આમાં રાજકીય ધારાધોરણ મુજબ યુવાન ગણાય તેવાં ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. પણ મહિલાને તક આપવાની વાત જિલ્લામાં તો ભુલાઈ જ ગઈ.

હવે કેંદ્રીય મોવડી મંડળે ફૂંકેલા પરિવર્તનના પવનની વાત કરીએ તો ઉમેદવારો બદલ્યાં પછીય જાતીગત સમીકરણ તો એના એ જ રખાયા. એક આદિવાસી (અનામત), બે ઓબીસી, એક ક્ષત્રીય અને એક પાટીદાર. સ્વાભાવિક છે કે ભરૂચથી પાટીદાર કપાયા તો જંબુસરથી સાચવી લેવાયા. આવા પરિવર્તનના એંધાણ ૨૦૧૭માં પણ શક્ય હતાં, પણ કોઈ રાજકીય કૂટનીતિ અનુસાત તેમ નહોતું કરાયું. પણ, હા જંબુસર બેઠક ભાજપાએ ગુમાવવી પડી હતી. આ વખતે આમ આદમી પાર્ટીના લઘુમતી ઉમેદવારને કારણે અને કોઈ ભાજપી અપક્ષ નહીં ઝંપલાવે તો સુખદ પરિણામની શક્યતા વર્તાઈ રહી છે. તો બીજી તરફ પાતળી બહુમતીવાળી વાગરા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ક્ષત્રીય ઉમેદવાર જાહેર કરી દીધો છે, અને તે કેટલું રાજકીય જોર કરશે, કોંગ્રેસ કોને ટિકિટ આપશે જેવાં સમીકરણો પરિણામ નક્કી કરશે. પણ, હાલ ભાજપા આગળ લાગી રહ્યું છે.

અંકલેશ્વર પર ભાજપાએ ચાર ટર્મના ધારાસભ્ય અને માજી મંત્રી ઇશ્વર પટેલને પાંચમીવાર ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ ૫ણ કોળી ઉમેદવારને જાહેર કર્યો છે. કોંગ્રેસ પણ શક્યતઃ કોળી ઉમેદવાર (વિજય પટેલ ઉર્ફે વલ્લભદાસ, જે ઇશ્વર પટેલના ભાઈ છે) તેને મેદાનમાં ઉતારે તેમ લાગીરહ્યું છે. ચાલિસેક હજારની લીડવાળી આ સીટ ઉપરથી ઇશ્વર પટેલને કે ભાજપાને હરાવવી લગભગ અશક્ય છે.

આપણા કળાકારોની હિન્દી ફિલ્મ

बिना फाटक की रेल्वेलाईन Click link to watch movie



૨૦૦૭માં ટિકિટ કપાય પછી ક્ષણાર્ધ આક્રોશમાં અપક્ષ ઉમેદવારી કરનાર અને મોદીની હાકલ પર ફોર્મ પાછું ખેંચી પુનઃ ભાજપામાં ભળી જનાર રમેશ મિસ્ત્રીએ પંદર વર્ષ સુધી પક્ષની શીસ્ત અને અનુશાસનમાં રહી કામ કર્યુ. પક્ષને વફાદાર રહ્યા. જે જવાબદારી મળી તે હસતા મોઢે સ્વિકારી અને તેને સુપેરે નિભાવી. પરિણામ એ આવ્યું કે પંદર વર્ષના વનવાસ પછી તેવો પુનઃ ભરૂચના રાજ-કારણમાં આવ્યા. આવું જવલ્લે જ બનતું હોય છે. ગુજરાતના ઈતિહાસમાં આવા ઉદાહરણો મળવા મુશકેલ છે. કે એક્વાર ધારાસભ્ય બન્યા પછી ટિકિટ કપાઈ હોય તેને જ પંદર વર્ષ પછી પુનઃ ટિકિટ અપાઈ હોય. એક કારણ હિંદુત્વનો પાયો પણ છે. તો જંબુસરથી સંત સમાજના પ્રતિનિધિ એવાં પાટીદારને ટિકિટ અપાઈ. ટૂકમાં ધીરજ, પક્ષ પ્રત્યેની વફાદારી અને અતૂટ મહેનત ઉપરાંત વર્તમાન રાજકીય સ્થિતિ અને ભાવી રાજકીય સમીકરણો પરિવર્તન અને પુનરાવર્તન કરાવી ગયા.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments